સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મુદ્દે સરકારી અધિકારીઓ ને આડે હાથે લીધા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગરુડેશ્વર APMC ખાતેની એક બેઠક બાદ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના સરકારી અધિકારીઓ વિરુદ્ધ પોતાનો રોષ વ્યકત કર્યો : આદિવાસી સંગઠનોના આંદોલનને સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લો ટેકો જાહેર કર્યો : સાંસદ મનસુખભાઈ એ આદિજાતિ વિકાસ કમિશનરને પત્ર લખ્યો

 ગુજરાત ભાજપના બે ધારાસભ્યો સાવલીના કેતન ઇનામદાર વિકાસના કામો મુદ્દે અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવે પોતાની માંગણીઓ મુદ્દે ભાજપ સરકાર સામે જ બાંયો ચઢાવી છે. એ મામલો હજુ થાળે નથી પડ્યો ત્યાંતો ગુજરાત ભાજપના સિનિયર નેતા અને સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મુદ્દે સરકારી અધિકારીઓને આડે હાથે લીધા હતા. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર APMC ખાતેની એક બેઠક બાદ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના સરકારી અધિકારીઓ વિરુદ્ધ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

હાલ ગાંધીનગર ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો આંદોલન કરી રહ્યા છે. એ આંદોલનને ગુજરાત ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લો ટેકો જાહેર કર્યો છે અને જણાવ્યું હતું કે, આદિવાસીના નામનો ખોટો ઉપયોગ કરી હવે અમુક લોકો સરકાર પર પ્રેસર કરે છે. તાકાત હોય તો આ આંદોલનમાં આદિવાસીઓને સમર્થન કરો બાકી આદિવાસી નેતા બનવાનું બંધ કરો. આદિવાસીઓના હિતની વાત હશે તો બધા સામે લડીશું તેમ કહી ભાજપના જ સાંસદ મનસુખ વસાવા ભાજપ સરકાર સામે આવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકારની સામે નહિ પણ આદિવાસીઓ સામે થતા અન્યાય માટે આંદોલન કરીશું. ગમે તેની સરકાર હોય આદિવાસીઓના હિત માટે આદિવાસીઓએ ભેગા થવું પડશે.સાંસદ મનસુખભાઈ એ આદિજાતિ વિકાસ કમિશનરને પત્ર લખ્યો છે .તેના અનુસંધાને જણાવ્યુ હતુ કે ટ્રાઇબલ કમિશનરને હું પૂછું છે કે કેમ તમે રદ કરેલા સર્ટિફિકેટ મંજુર કર્યા. આદિવાસીઓનો હક છીંનવવાનો આ પ્રયાસ છે. સરકારના વહીવટી તંત્રને અમે ખુલ્લા પાડીશું, બાકીના લોકો દબાણ લાવી રહ્યા છે આ બધું દબાણને લીધે જ થઈ રહ્યું છે તો અમે કેમ ન દબાણ કરીએ. જો ગુજરાતમાં દબાણનું રાજકારણ ચાલતું હોય તો અમે ગુજરાતના આદિવાસીઓ દબાણ લાવીશું. ગુજરાતમાં અધિકારીઓનું શાસન ચાલે છે, હું ટ્રાઇબલ કમિશનર પૂછું છું કે તમે ક્યાં આધારે તક આપી રદ થયેલા પ્રમાણપત્રને ફરી સાચા સાબિત કરો છો. આનાથી આદિવાસીઓના અધિકારો છીનવાઈ જશે. જો પૈસા આપી, સત્તાનો દુરઉપયોગ કરી ખોટા આદિવાસીના પ્રમાણપત્રો લીધા હશે તો સાચો આદિવાસી ક્યાં જશે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )