હાલોલની મર્કન્ટાઈલ બેન્કનો
ડાયમંડ જ્યુબિલી મહોત્સવ ઉજવાયો

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  

છેવાડાના માનવીનું જીવનધોરણ ઉંચુ લાવવામાં
સહકારી ક્ષેત્રનો ફાળો અમૂલ્ય રહ્યો છે

 • મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર
  સહકારી ક્ષેત્રે ભારત વિશ્વભરમાં અને
  ગુજરાત દેશભરમાં અગ્રેસર છે
 • મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે કૃષિ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર અને સહકાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધી હાલોલ મર્કેન્ટાઈલ કો.ઓ. બેન્ક લિમિટેડના ડાયમંડ જ્યુબિલી મહોત્સવનો ઉજવણી મહોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે છેવાડાના માનવીઓનું જીવનધોરણ ઉંચુ લાવવામાં સહકારી ક્ષેત્રનો ફાળો અમૂલ્ય રહ્યો છે અને ધી હાલોલ મર્કેન્ટાઈલ સહકારી બેન્કની 60 વર્ષની સફર આ બાબતની સાક્ષી પૂરે છે. તેમણે જણાવ્યું હતું કે નાના શહેરો અને ગામોમાં બેન્કિંગ સુવિધાઓના ક્ષેત્રે સહકારી બેન્કોની ભૂમિકા અને મહત્વથી સરકાર અવગત છે અને સહકારી બેન્કોના વિકાસની દિશામાં પગલા લઈ રહી છે. હાલોલ મર્કેન્ટાઈલ બેન્કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો સાથે સ્પર્ધા કરીને હાલોલના નાગરિકોને ધિરાણ સહિતની ઉત્તમ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં સફળ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમના ઉદઘાટક સહકાર, રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ (સ્વતંત્ર હવાલો) મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે ભારત વિશ્વમાં અને ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. સહકારી ક્ષેત્ર વિકાસની પ્રક્રિયામાં છેવાડાના માનવીને સાંકળી લેવાના મહત્વને સમજે છે અને તેના પરિણામે જ નાના ખેડૂતો-વેપારીઓ માટે ધિરાણ સરળ બનાવવાના પ્રયાસમાંથી જ હાલોલ સહકારી બેન્ક જેવી સહકારી બેન્કોનો જન્મ થયો છે. ગુજરાતમાં 75,000 હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે અને દર 4માંથી 1 વ્યક્તિ સહકારી પ્રવૃતિ સાથે સંકળાયેલી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે આ સહકારી સંસ્થાઓનો વિકાસ સમગ્ર રાજ્યના વિકાસને ગતિમાન બનાવશે. તેમણે બેન્ક દ્વારા સાંપ્રત સમયને અનુરૂપ શરૂ કરાયેલી નવી સુવિધાઓની પ્રશંસા કરતા વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અગાઉ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આકસ્મિક વીમા યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. બેન્કના ચેરમેન શ્રી સતીષભાઈ પરીખે બેન્કની કામગીરીનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેન્કની 60 વર્ષની સફર વર્ણવતા સ્મૃતિગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બેન્કના સીઈઓ શ્રી જે.વી. શાહ, ફેડરેશનના ચેરમેન શ્રી કેતનભાઈ પરીખ, માનદ ડાયરેક્ટર શ્રી આર.એન. જોષી, બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યો સહિત બેન્કના કર્મચારીઓ, સભાસદો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )