આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ, ગુજરાતના એક જ પરિવારને 1700 આયુષ્માન કાર્ડ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  

 • સૌથી વધુ ગોટાળા યુપી, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ અને ઝારખંડમાં
 • રૂ. 5 લાખ સુધી મફત સારવારની આયુષ્માન ભારત યોજનામાં ચોંકાવનારો પર્દાફાશ
 • હાલ દેશભરમાં બે લાખથી વધુ નકલી આયુષ્માન ગોલ્ડનકાર્ડ હોવાની શંકા
 • આ જ કાર્ડ પર 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર મળે છે, પૈસા સરકાર આપે છે
 • 171 હોસ્પિટલે હજારો નકલી બિલ મોકલ્યા, મોટા ભાગના ચૂકવી દીધાં
 • IT સિસ્ટમને પગલે સત્ય સામે આવ્યું
 • છત્તીસગઢમાં એક પરિવારના 57 લોકોએ આંખની સર્જરી પણ કરાવી
વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના ‘આયુષ્માન ભારત’માં છેતરપિંડીના ચોંકાવનારા મામલા સામે આવ્યા છે. આ યોજના હેઠળ બે લાખથી વધુ નકલી ગોલ્ડન કાર્ડ પણ બનાવી લેવાયા છે. જોકે, આ ગરબડ નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)ની આઈટી સિસ્ટમમાં પકડાઈ ગઈ છે. એટલે મનાય છે કે, ઊંડી તપાસ થાય તો નકલી કાર્ડનો આંકડો વધી શકે છે.
આ બે લાખમાંથી કેટલાએ યોજનાનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો તે આંકડા હજુ એનએચએને મળ્યા નથી. હાલ એનએચએ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ગરબડના અનેક ઉદાહરણ છે. જેમ કે, ગુજરાતની એક હોસ્પિટલમાં આરોગ્ય મિત્રે એક જ પરિવારના નામે 1700 લોકોના કાર્ડ બનાવી દીધાં છે. એવી જ રીતે, છત્તીસગઢની એએસજી હોસ્પિટલમાં એક પરિવારના નામે 109 કાર્ડ બની ગયાં અને તેના આધારે 57 લોકોએ આંખની સર્જરી પણ કરાવી લીધી. પંજાબના બે પરિવારના નામે 200 કાર્ડ છે, જ્યારે મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના નામે 322 કાર્ડ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્માન યોજના સપ્ટેમ્બર 2018માં શરૂ કરાઈ હતી. અત્યાર સુધી 70 લાખ લોકોની સારવાર થઈ, જેમાં હોસ્પિટલોને રૂ. 4,592 કરોડ ચૂકવી દેવાયા છે.
જે દાયરામાં જ નથી આવતા, એ લોકોનાં નકલી કાર્ડ બનાવી દેવામાં આવ્યા
નકલી કાર્ડ બનાવીને પૈસા વસૂલવાના મોટા ભાગના મામલા ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ અને ઝારખંડમાં સામે આવ્યા છે. અનેક સંપન્ન લોકોના પણ કાર્ડ બન્યા છે, જે આ યોજનાના દાયરામાં નથી આ‌વતા. આ વિશે એનએચએના ડે. સીઈઓ પ્રવીણ ગેડામે કહ્યું કે, રાજ્યોમાંથી સંપૂર્ણ ડેટા મંગાવી લેવાયો છે. ત્યાર પછી કૌભાંડની અસલી હકીકત સામે આવશે. હાલ જે ડેટા મળ્યો છે, તે પ્રાથમિક છે. જરૂરી નથી કે, બધા મામલામાં ગરબડ જ હોય. એટલે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવાશે.
પૈસા વસૂલવા નકલી બિલ મોકલનારી અનેક હોસ્પિટલો પણ શંકાના દાયરામાં
એનએચએને શંકા ત્યારે ગઈ જ્યારે ખાનગી હોસ્પિટલોએ સતત મોટાં મોટાં બિલ સરકારને મોકલવાનું શરૂ કર્યું. પ્રાથમિક તપાસમાં જ 65 હોસ્પિટલ પકડાઈ ગઈ, જેમણે નકલી બિલ મોકલ્યાં હતાં. આ બિલોની ચુકવણી પણ કરાઈ ચૂકી છે, પરંતુ કૌભાંડ સામે આવ્યા પછી આ હોસ્પિટલો પાસેથી રૂ. 4 કરોડનો દંડ વસૂલાયો છે. નકલી બિલ મોકલનારી 171 હોસ્પિટલની યોજનામાંથી બહાર કરી દેવાઈ છે. બીજી તરફ, મધ્ય પ્રદેશના 700 અને બિહારના 650થી વધુ બિલ પણ શંકાસ્પદ છે, પરંતુ એ વિશે હજુ કાર્યવાહી શરૂ નથી કરાઈ.
એક દર્દી એક જ સમયે બે હોસ્પિટલમાં ભરતી હતો, બંનેએ બિલ પણ વસૂલ્યું
ઝારખંડનો એક દર્દી એક સમયે બે હોસ્પિટલમાં ભરતી બતાવાયો અને બંને હોસ્પિટલ તરફથી બિલ પણ મોકલાયું. આશ્ચર્યની વાત એ છે કે, સરકારે બંને હોસ્પિટલને પૈસા ટ્રાન્સફર પણ કરી દીધા. બાદમાં એનએચએ દ્વારા આ ગોટાળો પકડાયો. આવો જ એક કેસ છત્તીસગઢમાં સામે આવ્યો, જ્યારે ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળની એક મફત પ્રક્રિયા છે, જેનું નામ બદલીને બિલ મેળવવા દાવો કરાયો હોવાનું માલૂમ પડ્યું છે.
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )