પંચમહોત્સવ-2019નું દબદબાભેર સમાપન : વડાતળાવ ખાતે સચિન-જિગરની બેલડીના મધુર સૂરો પર હજારોની જનમેદની ઝૂમી ઉઠી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પાવાગઢની તળેટીમાં વડા તળાવના કિનારે આયોજિત જિલ્લાના સૌથી મોટા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ પંચમહોત્સવ-2019નો સમાપન સમારોહ કૃષિ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પંચમહોત્સવના માધ્યમથી પંચમહાલની ઐતિહાસિક વિરાસત, સાંસ્કૃતિક ધરોહર અને પ્રાકૃતિક સુંદરતાને વિશ્વ ફલક પર પ્રસ્તુત કરવાનો સરકારનો પ્રયાસ સફળ રહ્યો છે. રાજ્ય સહિત દેશ-વિદેશના મુલાકાતીઓને આકર્ષતા આ પાંચ દિવસીય સાંસ્કૃતિક જલસાના પરિણામે વિસ્તારમાં પ્રવાસનના વિકાસ અને રોજગારી સર્જનને નવો વેગ મળ્યો છે. પાવાગઢ પરિક્રમાના સફળ આયોજનનો ઉલ્લેખ કરતા તેમણે મા મહાકાળીના દર્શને આવતા શ્રધ્ધાળુઓની સુવિધા માટે મંદિરના વિસ્તૃતીકરણ, ફોરલેન રસ્તાના નિર્માણ સહિત વડા તળાવને નર્મદાના પવિત્ર પાણીથી ભરવાના સરકારના આયોજન વિશે જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે પાંચ દિવસનો આ મહોત્સવ બહાદુરભાઈ ગઢવી જેવી સ્થાનિક પ્રતિભાઓને પોતાની કળાના નિદર્શન માટે જરૂરી પ્લેટફોર્મ પૂરુ પાડવામાં અને સ્થાનિક અર્થતંત્રને વેગવાન બનાવનારો બની રહ્યો છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મહોત્સવ દરમિયાન 50 કરતા વધુ ફૂડ સ્ટોલ અને 90 થી વધુ ક્રાફ્ટ સ્ટોલની અંદાજિત 50 હજાર કરતા વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
એ અગાઉ મંત્રીશ્રીએ ક્રાફ્ટ બજાર અને ફૂડ બજારની મુલાકાત લઈને સ્ટોલ ધારકો અને મુલાકાતીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે સરકારની ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત એસએસસી અને એચએસસીના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર અને રોકડ ઈનામનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સચિન-જિગરની બેલડીની સંગીતમય પ્રસ્તુતિના તાલે હજ્જારોની જનમેદની ઝૂમી ઉઠી હતી.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલ સિંહ જાદવ, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, વડોદરા શહેર પોલિસ કમિશનર શ્રી અનોપસિંહ ગેહલોત, પંચમહાલ, મહિસાગર અને આણંદના પોલિસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )