જાંબુધોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ચાર વાગતાની સાથે સરકારી પ્રાથમિક શાળા પર તાળા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આદિવાસી વિસ્તારના શિક્ષણનું સ્તર સુધારવા માટે તંત્રના ધમપછાડા બાદ પણ કેટલાક શિક્ષકો અવળે પાટે તંત્રને ચઢાવી રહ્યા છે. શાળામાં શિક્ષકોની હાજરી બાબતે બાયોમેટ્રીક્સ થી લઇને વોટસ્ અપ તસવીર મોકલવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોવા છતાં હજી અંતરીયાળ વિસ્તારના નેટ ચાલતુ ન હોવાનું બહાનું કાઢીને જવાબદાર લોકો શાળાનું સંચાલન કરતા હોવાનો માત્ર ડોળ કરતા હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુધોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કોહીવાવ ખાતે ચાર વાગતાની સાથે પ્રાથમિક શાળા પર તાળા વાગતા હોવાનું બહાર આવ્યુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જાંબુઘોડા તાલુકાના જોટવડ પગાર કેન્દ્ર હેઠળ અંતરિયાળ વિસ્તાર ની કોહીવાવ પ્રાથમિક શાળામાં ચાલતો અંધેર વહીવટનો આજે ઘટસ્ફોટ થયો હતો. આ શાળામાં ચાર શિક્ષકોનો સ્ટાફ અને અડતાલીસ બાળકો અભ્યાસ કરે છે. ધોરણ એક થી આઠ ની શાળા છે. સોમવારે શાળા સાંજે ચાર વાગે તાળા મારી દીધેલા હોવાની વિગતો આવી હતી.
શાળા બંધ કેમ છે? તે બાબતે ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, આ તો રોજનું છે ચાર શિક્ષકોનો સ્ટાફ છે, પણ શિક્ષકો ગમે તે ટાઈમે શાળા ખોલે છે અને ગમે તે ટાઈમે શાળા બંધ કરી જતાં રહે છે. જાંબુઘોડા બીટ કેળવણી નિરીક્ષક ધર્મેશ ગુર્જર, જાંબુઘોડા બી.આર.સી રમેશ વણકરને આ અંગેની જાણ થતા તેઓએ તાત્કાલીક આ બાબતે અજાણ હોવાનું જણાવ્યુ હતુ. જો કે તાત્કાલીક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.
સ્કૂલ ના ચાર શિક્ષકોમાં આચાર્ય વાલમભાઈ એમ. તલાર, સુરેશભાઇ કે વાળંદ (આ.શિ), વિપુલભાઈ એમ પટેલ (આ.શિ) તથા મીનાબેન એચ. ચૌધરી (આ.શિ)નો સમાવેશ થાય છે. સરેરાશ ૩૫ થી ૪૫ હજાર જેટલો પગાર ધરાવતા આ શિક્ષકોના બહાર આવેલી હરકતથી ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા.
શાળાના આચાર્ય વાલમભાઈ એમ. તલારે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, બાળકોની શિષ્યવૃતિ અંગેની ઓનલાઈન કામગીરી કરવાની હતી, કોહીવાવમાં નેટવર્કની સમસ્યા હોવાથી જોટવડ પગારકેન્દ્ર ખાતે કામગીરી કરવા સાડા ત્રણ વાગે ગયા હતા. મારા નીકળ્યા પછી ત્રણેવ આ,શિએ શાળા કેમ બંધ કરી દીધી એ અંગે મને કોઈ જાણકારી નથી. શાળા બંધ હોવાની જાણકારી મને બીટ કેળવણી નિરીક્ષકએ દ્વારા આપવામાં આવી હતી. આવુ નિયમીત થતુ નથી.
જોટવડ પગાર કેન્દ્રના આચાર્ય વિક્રમભાઈ બી. ડામોરે જણાવ્યુ હતુ કે, કોહીવાવ પ્રા.શાળા ના આચાર્ય ઓનલાઈન કામગીરી માટે સાડા ત્રણ વાગ્યાની આસ પાસ આવ્યા હતા. પરંતુ જોટવડ શાળામાં પણ નેટ બંધ હોવાથી પંદર મિનિટ બેસીને તેઓ નીકળી ગયા હતા.
જાંબુઘોડાના બીઆરસી રમેશભાઈ પી. વણકરે તથા બીટ કેળવણી નિરીક્ષક ધર્મેશભાઇ ગુર્જરે જણાવ્યુ હતુ કે, આ શાળા બંધ હોવાની જાણ થતાં તે બાબતે તપાસ કરવામાં આવશે. તેમાં યોગ્ય જણાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )