સરદાર જન્મ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવતા કૃષિ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિનની ઉત્સાહભેર ઉજવણી

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિની પંચમહાલ જિલ્લામાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં કૃષિ (રાજ્યકક્ષા), પંચાયત અને પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે તેમની દિર્ઘદ્રષ્ટિ અને લોખંડી નિર્ણાયક શક્તિના બળે સ્વતંત્રતા મળ્યા બાદ 562 દેશી રાજ્યોને એકતાંતણે બાંધીને અખંડ ભારતનો પાયો નાંખ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિન અખંડ રાષ્ટ્રના નિર્માણ માટે સરદારે આપેલા ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો અને અનુસરવાનો અવસર છે. સરદારે દર્શાવેલ માર્ગ પર ચાલીને દેશની એકતા કાયમ રાખીને દેશને નવી ઉંચાઈઓ પર લઈ જવાની દિશામાં સૌને સાથે મળી કામ કરવા તેમણે હાકલ કરી હતી. કાર્યક્રમમાં દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ દ્રઢ કરવા ઉપસ્થિતજનોએ એકતા શપથ લીધા હતા.
કાર્યક્રમના અંતમાં મંત્રીશ્રીએ દેશની એકતા વધુ બુલંદ કરવાનો સંદેશો વ્યક્ત કરતી રન ફોર યુનિટીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલિસના જવાનો, સામાન્ય નાગરિકો, દોડવીરો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ અગાઉ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સરદારનગર ખંડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી તેમજ પુષ્પો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે પોલિસ હેડક્વાર્ટર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઓલજી, સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન શ્રી સરદારસિંહ બારિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, નાયબ વન સંરક્ષક ડો. જી.એસ.સિંઘ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેન્દ્ર નલવાયા સહિતના અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )