પંચમહાલ જિલ્લામાં ગણેશ મહોત્સવ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શ્રધ્ધા-ભક્તિ સાથે ઉજવવા જિલ્લા કલેકટરની અપીલ ગણેશ મંડળો સાથે વહીવટી તંત્રની બેઠક

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની, જિલ્લાના ગણેશ મંડળો સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં ગણેશ મહોત્સવ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શ્રધ્ધા-ભક્તિ સાથે ઉજવવા જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જિલ્લાના વિવિધ ગણેશ મંડળના પ્રમુખ/મંત્રી સહિત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવની ઉજવણી સમગ્ર જિલ્લામાં પૂર્ણ આસ્થા અને ભક્તિ સાથે થાય તેમજ કોઇને પણ કોઇપણ પ્રકારની મુશ્કેલી ન ઉદ્ભવે તેવા સૌના સહિયારા પ્રયાસો રહેશે. શ્રીજીની શોભાયાત્રામાં અબાલ-વૃધ્ધ સૌ કોઇ ઉત્સાહપૂર્વક જોડાય તેવા વાતાવરણનું નિર્માણ થાય અને જાહેરનામાનો સંપૂર્ણ અમલ થાય તેમ જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, શોભાયાત્રામાં સામેલ ડી. જે. દ્વારા ધ્વનિ પ્રદુષણ ન થાય, ખાસ કરીને વૃધ્ધો, અશક્તો, બિમાર વ્યક્તિઓ, બાળકોને તેના વધુ પડતા અવાજથી કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તેની દરેક મંડળ દ્વારા પુરતી કાળજી લેવાય તેમજ નશો કરીને આવતા વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાર પૂર્વક વધુમાં જણાવ્યું હતું.
ગણેશ મંડળો દ્વારા શોભાયાત્રાના રસ્તાઓ, લટકતા વીજ વાયરો દુરસ્ત કરવાની રજુઆત કરાતાં વહીવટી તંત્ર દ્વારા સમય મર્યાદામાં હકારાત્મક નિવારણ લાવવાની ખાત્રી આપવામાં આવી હતી.
ગોધરા ખાતે, ગણેશ વિસર્જનની શોભાયાત્રા વિશ્વકર્મા ચોક ખાતેથી વિજય મુહુર્ત-૧૨ઃ૩૯ કલાકથી શરૂ કરવા અને શોભાયાત્રમાં સામેલ થનાર તમામ મંડળો દ્વારા આ સમયે ઉપસ્થિત થવાની ઉપરાંત નિયત સમયમાં સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે વિસર્જનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં કરવા પણ બેઠકમાં સહમતિ કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરે તંત્ર વતી ગણેશ પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, નિવાસી અધિક કલેકટર શ્રી મહેન્દ્ર નલવાયા, નાયબ પોલીસ અધિક્ષક, ગોધરાના પ્રાંત અધિકારી, એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓ, માર્ગ અને મકાનના અધિકારીઓ, મામલતદાર, ચીફ ઓફિસર સહિત જિલ્લાના વિવિધ ગણેશ મંડળના પદાધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦૦૦૦૦૦

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )