વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા કેદીઓનું કલાકુશળ કારીગર તરીકે ઘડતર થઈ રહ્યું છે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

 વડોદરા જેલના ૧૯૯ કેદીઓની ત્રણ મહિનાની ૧.૧૨ કરોડની કમાણી

રાજ્યની તમામ જેલોમાં ક્વોલિટી વાઇસ અને ઉત્પાદનના આંકડાકીય રીતે ઓછા કેદીઓ વડોદરા મધ્યસ્થ જેલમાં હોવા છતાં આવકમાં અને કામગીરીમાં વડોદરા મધ્યસ્થ જેલ પ્રથમ ક્રમાંકે
 પ્રિન્ટિંગ પ્રેસના વાર્ષિક ટર્ન ઓવરના રૂ. ૧.૦૫ કરોડના ટાર્ગેટ સામે વડોદરા મધ્યસ્થ જેલનું ફક્ત ૮ મહિનામાં જ રૂ.૧.૩૮ કરોડનું ટર્ન ઓવર સર કર્યું
વડોદરા તા. ૧૯ ઓગષ્ટ, ૨૦૧૯ (સોમવાર) જેલવાસએ ગુનાની સજા છે. સ્વતંત્રતા પહેલા એક જમાનામાં કેદીઓ સાથે અમાનવીય વર્તન થતું. જેના પરિણામે સજા પુરી કરીને બહાર નીકળતા કેદીને જીવન કેવી રીતે ગુજારવું એની કશ્મક્શ સર્જાતી, ગુજરાત સરકારે જેલોને સુધારણા ગૃહમાં પરિવર્તિત કરી છે. જેના પરિણામે કેદીઓને જેલવાસ દરમિયાન નવા નવા ઉધોગો શીખવા મળે છે. જે તેને સમાજ જીવનમાં પુન:સ્થાપિત કરવામાં ખુબ ઉપયોગી નીવડે છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદી કલ્યાણનું આ કામ અનેરી રીતે થઇ રહ્યું છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેદીઓમાંથી ૧૯૯ કેદીઓ વિવિધ ઉધોગોમાં કામ કરે છે, જેનું ત્રણ મહિનાની આવકનું ટર્ન ઓવર રૂ. ૧.૧૨ કરોડ છે. કેદીઓને મળતી દૈનિક વેજીસની રકમમાંથી ૫૦ ટકા રકમ પર્સનલ પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે. રાજ્યની તમામ જેલની સરખામણીએ આવકમાં અને કામગીરીમાં વડોદરા મધ્યસ્થ જેલે ઉધોગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં કેદીને પસંદગી પ્રમાણેના ઉઘોગમાં ત્રણ મહિના દરમિયાન તાલીમ આપીને કામગીરી સોંપવામાં આવે છે. તે કામગીરી બદલ બિનકુશળ કેદીઓને રૂ. ૭૦, અર્ધકુશળ કેદીઓને રૂ,૮૦ અને કુશળ કેદીઓને રૂ.૧૦૦નું દૈનિક મહેનતાણું ચુકવવામાં આવે છે. કેદીઓની આ મહેલતની કમાણીની રકમના ૫૦ ટકા રકમ સજાકાળ દરમિયાન કેન્ટીન અને બેકરીમાં ખરીદી કરવા માટેના કુપન આપવામાં આવે છે, અને ૫૦ ટકા રકમને કેદીના પર્સનલ પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે.
વડોદરા જેલમાં ચાલતા તમામ ઉઘોગોમાં સજા ભોગવતા કેદીઓમાંથી ૧૯૯ કેદીઓ વિવિધ ઉઘોગમાં કામ કરે છે. જેમાં એપ્રિલ ૨૦૧૯થી લઈને જૂન ૨૦૧૯ દરમિયાન ૧૯૯ કેદીઓના ઉધોગનું ટર્ન ઓવર રૂ. ૧.૧૨ કરોડ રૂપિયા છે. વડોદરા મધ્યસ્થ જેલના સિનિયર જેલર એમ.એન રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ જેલોમાં ક્વોલિટી વાઇસ અને ઉત્પાદનના આંકડાકીય રીતે ઓછા કેદીઓ વડોદરા મધ્યસ્થ જેલમાં હોવા છતાં રાજ્યની તમામ જેલની સરખામણીએ આવકમાં અને કામગીરીમાં વડોદરા મધ્યસ્થ જેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, આ ઉપરાંત પ્રિન્ટિંગ પ્રેસના વાર્ષિક ટર્ન ઓવરના રૂ. ૧.૦૫ કરોડના ટાર્ગેટની સામે વડોદરા મધ્યસ્થ જેલે ફક્ત ૮ મહિનામાં જ રૂ.૧.૩૮ કરોડનું ટર્ન ઓવર કર્યું છે. જેલમાં સુથારી, દરજી, બેકરી, પ્રિન્ટીંગ પ્રેસ, કેમિકલ, વણાટ કામ જેવા વિવિધ ઉધોગો ચલાવવામાં આવે છે.
જેલવાસને લીધે કેદીના જીવનમાં સ્થગિતતા ના આવી જાય એ જરૂરી છે. જેલવાસ પૂરો કરીને સમાજમાં ભળતો બંદીવાન નવા કૌશલ્યો અને હુન્નરથી સુસજ્જ હોય તો તે આદરનું પાત્ર બને છે. અને પોતાની રોજીરોટી જાતે કમાઈને ઉન્નત મસ્તકે સમાજમાં જીવી શકે છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીબંધુઓના સામાજિક સશક્તિકરણની આ કામગીરી ઘણા વર્ષોથી ચાલી રહી છે. જે ધન્યવાદને પાત્ર છે.
 પ્રિન્ટિંગ પ્રેસના ૫૭ કેદીઓનું ત્રણ મહિનાનું ટર્ન ઓવર રૂ.૩૯ લાખ છે.

o સુથારી ઉઘોગમાં ૨૬ કેદીઓ કામ કરે છે. જેનું ત્રણ મહિનાનું ટર્ન ઓવર રૂ.૯.૬૭ લાખ છે.
o વણાટ ઉઘોગમાં ૫૨ કેદીઓ કામ કરે છે. જેનું ત્રણ મહિનાનું ટર્ન ઓવર રૂ.૩૦ લાખ છે.
o કેમિકલ ઉઘોગમાં ૮ કેદીઓ કામ કરે છે. જેનું ત્રણ મહિનાનું ટર્ન ઓવર રૂ.૮ લાખ છે.
o દરજી ઉઘોગમાં ૪૫ કેદીઓ કામ કરે છે. જેનું ત્રણ મહિનાનું ટર્ન ઓવર રૂ.૧૫.૨૮ લાખ છે.
o બેકરી ઉઘોગમાં ૧૧ કેદીઓ કામ કરે છે. જેનું ત્રણ મહિનાનું ટર્ન ઓવર રૂ.૧૦ લાખ છે.
o પ્રિન્ટિંગ પ્રેસ ઉઘોગમાં ૫૭ કેદીઓ કામ કરે છે. જેનું ત્રણ મહિનાનું ટર્ન ઓવર રૂ.૩૯લાખ છે.

 સારી કામગીરી બદલ કેદીઓને પ્રમાણપત્ર અપાય છે.

જેલમાં ચાલતા ઉધોગોમાં કમ કરતા કેદીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્વાતંત્ર દિવસ તેમજ પ્રજસતાક દિવસ નિમિતે સારી કામગીરી કરવા બદલ કેદીઓને શ્રેષ્ઠ કારીગરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેમજ ખેલદિલીની ભાવના જળવાઈ રહે તે માટે જેલમાં જુદીજુદી રમતોનું આયોજન કરાય છે. જેમાં પ્રથમ ત્રણ વિજેતાને ઇનામો અપાય છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )