મુખ્યમંત્રીશ્રીએ રિવર રાફટિંગની સુવિધા તેમજ સ્ટેચ્યુ પરિસરમાં નિ:શુલ્ક વાઇ ફાઇ સેવાનું કર્યું લોકાર્પણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રીવર રાફટિંગની સુવિધાથી કેવડીયાના પ્રવાસન આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું છે

વિશ્વભરમાં સાહસ પ્રવાસનમાં રીવર રાફટિંગ ખૂબ લોકપ્રિય છે

આગામી દિવાળી સુધીમાં કેવડિયાને બહુ આયામી પ્રવાસન ધામ બનાવવાનું લક્ષ્ય

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા કહ્યું કે 1 લી સપ્ટેમ્બર થી રીવર રાફટિંગ ની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દુનિયાભર માં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે.આ જગ્યા જંગલોથી ઘેરાયેલી છે એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ પણ બનશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જીઓના સહયોગથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી vifi સેવા શરૂ કરાવી છે. અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે જેમાં વિશ્વ આખાના વનસ્પતિ વૈવિધ્યનો ઉછેર કરાશે. જંગલ સફરીમાં જીરાફ અને ગેંડા(rhino) સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે. બટર ફ્લાય પાર્ક પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાના આનંદ દર્શન થશે.
કેક્ટસ ગાર્ડનમાં મનમોહક કેક્ટસ જોવા મળશે. અહીં ટપક સિંચાઈથી વન ઉછેરવામાં આવી રહ્યું છે. કાયમ માટે અદભુત રાત્રી પ્રકાશ વ્યવસ્થા કરાશે જેના લીધે પ્રવાસીઓ કેવડીયાનું રાત્રી દર્શન કરી શકશે. તા.15મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે. વિશ્વ કક્ષાના બનનારા આ પ્રવાસન ધામમાં પ્રવાસીઓ બાળકો સાથે સહ પરિવાર આવે અને 3 દિવસનું રોકાણ કરી વિવિધતાસભર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ તેમની કેવડીયાની આજની મુલાકાત દરમિયાન SOU ખાતે ફ્રી વાઇફાઈ સેવાનો પ્રારંભ કર્યા બાદ SOU મ્યુઝિયમ ખાતે આદિવાસી સંસ્કૃતિને લગતુ પ્રદર્શન નિહાળ્યા બાદ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની વ્યુઇગ ગેલેરી ખાતેથી પ્રાકૃતિક નજારો નિહાળ્યો હતો. ત્યારબાદ વિશ્વ વન, ખલવાની રિવર રાફટીગ, જંગલ સફારી પાર્ક, ડાયનાસોર પાર્ક, નર્મદા ડેમ, કેકટસ ગાર્ડન, પતંગિયા ગાર્ડન, એકતા નર્સરી વગેરે જેવા વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લઇ પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ પર અધિકારીશ્રીઓને જરૂર સૂચના અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જંગલ સફારીના વિકાસનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શ્રીમતી અંજલિબહેન રૂપાણી, સરદાર સરોવર નર્મદા નિગમના એમડીશ્રી રાજીવ કુમાર ગુપ્તા, નિગમના જોઇન્ટ એમ.ડી.શ્રી સંદિપકુમાર, જિલ્લા કલેક્ટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમીનીસ્ટ્રેટરશ્રી આઇ. કે.પટેલ સહિત મહાનુભાવો એમની સાથે રહ્યા હતા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )