વડોદરામાં ચાંદીપુરમ વાઇરસથી 5 વર્ષની બાળકીનું મોત, દાહોદમાં 4 બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા દોડધામ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  • ભાયલી ગામમા ડસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી
  • દાહોદના મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં પણ તપાસ
  • ઝાડા, ઉલ્ટી અને તાવ ચાંદીપુર વાઇરસના લક્ષણો છે.

વડોદરાઃ વડોદરા નજીક ભાયલી ગામમાં 5 વર્ષીય બાળકીનું ચાંદીપુરમ વાઇરસથી મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આજે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ ભાયલી ગામમાં દોડી ગઇ છે અને ગામમાં ડસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં પણ 4 બાળકોમાં ચાંદીપુરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમે મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં તપાસ હાથ ધરી છે.

બાળકીનું ચાંદીપુરમથી મોત થવાથી આરોગ્ય તંત્ર દોડતુ થયું
ભાયલીની 5 વર્ષની બાળકીને કેટલાક દિવસથી તાવ આવ્યા બાદ તબિયતમાં સુધારો ન થતાં તેને વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઇઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જોકે સારવાર દરમિયાન 28 જૂનના રોજ બાળકીનું મોત થયું હતું. શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસની શંકાને પગલે તબીબોએ તેના નમૂના પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા હતા. જેનો નમૂનો પોઝિટિવ આવતા વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

4 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમથી તંત્ર હરકતમાં આવ્યું
દાહોદ જિલ્લાના મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં 4 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણોને પગલે આરોગ્ય વિભાગની ટીમો આ ગામોમાં દોડી ગઇ છે. અને ચારેય ગામમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકોના રિપોર્ટ કરીને તપાસ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાંદીપુરમ વાઇરસને પગલે દાહોદ જિલ્લાના 34 હજાર જેટલા કાચા ઘરોમાં ડસ્ટીંગ કરવામાં આવ્યું છે.

ચાંદીપુરમ વાઇરસ 14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઇ શકે છે.
વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડો. ઉદય તિલાવલે જણાવ્યું હતું કે, ચાંદીપુરમ વાઇરસ 14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઇ શકે છે. 24થી 72 કલાકમાં ઝાડા, ઉલ્ટી અને તાવ આવે છે. અને બાળક બેભાન પણ થઇ જાય છે. જો આ લક્ષ્ણો બાળકોમાં દેખાય તો સરકારી હોસ્પિટલમાં તુરંત સારવાર લેવા માટે અમે લોકોને અપીલ કરીએ છીએ.

કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઇએ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સેન્ડ ફ્લાય મકાનની તિરાડોમાં જોવા મળે છે. જેથી સાવચેતીના ભારરૂપે કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઇએ. આ ઉપરાંત બાળકને આખા કપડાં પહેરાવવા પણ જરૂરી બની જાય છે. અને રાત્રે સુતી વખતે મચ્છર દાનીનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ચાંદીપુરમ માટે કોઇ રસી ઉપલબ્ધ ન હોવાથી તેના માટે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. અમે ભાયલી ગામમાં આસપાસ મેલેથિન પાઉડરના છંટકાવની કામગીરી હાથ ધરી છે.

માખથી પાંચ ગણી નાની સેન્ડફ્લાયથી થતો રોગ
ચાંદીપુરમ વાઇરસનો ફેલાવો સેન્ડ ફ્લાયથી થાય છે. આ માખ સામાન્ય માખથી 5 ગણી નાની હોય છે, પણ ઘરે ઉડતી માખ જેવી જ દેખાય છે. આ માખની બીજી ખાસિયત એ છે કે, ઇંડામાંથી કોશેટામાંથી માખમાં ફેરવાયા બાદ માંડ 5 ફૂટ જ દૂર જાય છે. આ માખ સૌથી વધુ ઇંડા કાચા મકાનોની તિરાડમાં આપે છે. તેથી સેન્ડફ્લાયના ઇંડાનો નાશ કરવા માટે મેલેથિન પાઉડરનો દીવાલોની તિરાડોમાં વધુ છંટકાવ કરવામાં આવે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )