લો…બોલો…..રાઇડ માલિકની નફ્ફટાઇ, ‘દર સોમવારે સેફ્ટી સર્ટિફિકેટ લઉ છું, 1કરોડનો વીમો છે, તમામને વળતર આપી દઇશ’

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રવિવારે સાંજે કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઇડ તૂટી પડી અને બે સહેલાણીઓના મોત થયા તેને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા, ડીસીપી બિપીન આહિરે, મેયર બિજલ પટેલ વગેરે તુરત જ સ્થળ પર મગરના આંસુ સારવા પહોંચી ગયા હતા.
દેખીતી રીતે જ રાઇડ ચલાવવા માટે ફિટ ન હોય એવી રીતે તૂટી પડી હોવા છતાં તેના માલિકે કમિશ્નર અને ડીસીપી પાસે જરાય ડર્યા વગર બચાવ કરતાં કહ્યું હતું કે આ રાઈડ્સ માટે દર સોમવારે ફાયરબ્રિગેડ, પીડબલ્યુડી, પોલીસ અને કોર્પોરેશનમાંથી સેફટી સર્ટિફિકેટ મેળવવામાં આવતું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ૬ઠ્ઠી જુલાઈએ જ રાઈડનું ઈન્સ્પેક્શન કરી સેફ્ટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું છતાં તેના માત્ર આઠ દિવસ પછી જ રાઈડ ધરાશાયી થઈ ગઈ હતી. દરમિયાન એલ.જી.માં દાખલ 29 ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાથી મૃત્યુનો આંક વધે તેવી શક્યતા છે.પોલીસ દ્વારા મોડે મોડે અટકાયતમાં લેવાયેલા રાઇડના માલિક ઘનશ્યામ પટેલ સહેજે ડર્યા વગર બચાવ કરતો હતો, તેની પાછળનું રહસ્ય એ છે કે તે ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલનો ભાઇ છે અને બન્ને ભાઇઓ નીચેથી ઉપર સુધી ગોઠવણ કરી તંત્રની સાથે મિલિભગત દ્વારા રાઇડનો કારોબાર ચલાવતા હતા.મહેન્દ્ર પટેલ પણ વસ્ત્રાપુરમાં આ પ્રકારે એએમસીના કોન્ટ્રાક્ટ દ્વારા રાઇડ્સ ચલાવે છે. ઘનશ્યામ પટેલે તો દુર્ઘટના પછી નફટ્ટાઇની હદ વટાવીને કમિશ્નરને કીધુ હતું કે અમારી પાસે ૧ કરોડનો વીમો છે અને તેના પૈસામાંથી તમામ મૃતકો-ઇજાગ્રસ્તોને વળતર આપી દઇશું. તાજેતરમાં જ સહેલાણીઓ સાથેની રાઇડ ક્ષતિગ્રસ્ત થઇ અનગત વર્ષની દુર્ઘટનાના કારણે મોત પણ થયા હોવા છતાં એએમસી, ફાયર બ્રિગેડ અને પોલીસ એમ તમામ તંત્ર કટકી થતી હોવાથી કુંભકર્ણની નિંદ્રામાં રહે છે તે આજની ઘટના પરથી સાબિત થાય છે.
ફાયર બ્રિગેડ પાસેથી એનઓસી લેવાયાનો તંત્રનો દાવો !
એમ્યુઝમેન્ટપાર્કમાં લાયસન્સીંગ ઓર્થારિટી પોલીસ વિભાગ છે. જેણે છેલ્લે ૬ જુલાઇએ રાઇડનું ઇન્સ્પેકશન કર્યુ હોવાનું ટોચના અધિકારી જણાવી રહ્યા છે. એમના કહેવા પ્રમાણે ફાયર બ્રિગેડ સત્તાવાળાઓ પાસે સેફટી સંદર્ભે એનઓસી લેવાનું હોય છે જે લેવાયુ હતું.
એમણે એમ પણ જણાવ્યુ હતુ કે, રાઇડના માલિક ઘનશ્યામભાઇની પોલીસ દ્વારા સઘન પૂછપરછ થઇ રહી છે. જોકે રાજય સરકારનું તંત્ર એવો બચાવ રજૂ કરી રહી છે કે વ્યકિતને બચાવવાના ગોલ્ડન અવરમાંજ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચતા કરીને આ કિસ્સામાં પગલા લેવાયા છે જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.
રાઇડના લાઇસન્સ તથા મેઇન્ટેનન્સની તપાસ થઈ રહી છે : પ્રદીપસિંહ જાડેજા
કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટવાની દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અકસ્માતમાં કસૂરવાર કોઈનેય છોડવામાં નહીં આવે. રાઇડની ક્ષમતા ૩૨ને સમાવવાની હતી, જે પૈકી ૩૧ જણ એમાં સવાર હતા અને આમાંથી ૨નાં મૃત્યુ થયા છે તથા ૨૯ જણ એલ.જી. હોસ્પિટલમાં છે, જેમનો તમામ સારવાર ખર્ચ એએમસી ભોગવશે.
એએમસીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાઇડનું લાઇસન્સ હતું કે કેમ, તેમજ તેના મેઇન્ટેનન્સની વિગતો તંત્ર અને એફએસએલ દ્વારા એકત્ર કરાઈ રહી હોવાનું પણ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.
ઇજાગ્રસ્તોની યાદી
વિશાલ કદમ (ઉ.વ. ૨૩), ટ્વિંકલ (ઉ.વ. ૨૫), લક્ષ્મીદેવી (ઉ.વ. ૨૨), નિશા (ઉ.વ. ૨૪), રાકેશ પાટિલ (ઉ.વ. ૨૫), નુસુરા બાનુ (ઉ.વ. ૧૬), તૈયબા સૈયદ (ઉ.વ. ૧૮), શીફા (ઉ.વ. ૧૭), જાગૃતિ (ઉ.વ. ૨૦), આશિષ (ઉ.વ. ૨૨), બીજલબેન (ઉ.વ. ૨૩), સૌમીલ (ઉ.વ. ૨૭), અંકિત મકવાણા (ઉ.વ.૨૬), હરીશ (ઉ.વ.૨૯), ડેન્જિલા (ઉ.વ.૧૭), ટ્વિંકલ (ઉ.વ.રર), સાગર (ઉ.વ.૨૭), સોહેલ (ઉ.વ.૨૭), અશ્વીન ઉ.વ.૨૩, લલિતા (ઉ.વ.ર૪), રૂપાંગી સોમાની (ઉ.વ.ર૦), ફલકનાઝ (ઉ.વ.૧૬), તીર્થ (ઉ.વ.૧૫), યુસુફ (ઉ.વ.૨૪), હિના પંચાલ(ઉ.વ.૨૧), મુઝમ્મીલ (ઉ.વ.ર૪), રૂદ્ર, કવિતા (ઉ.વ.ર૪), આસીફખાન (ઉ.વ.રર)

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )