માનસિક અસ્થિર મહિલા માટે ગોધરાનું સખી વન સ્ટોપ સેન્ટર સાચા અર્થમાં “સખી” બન્યું : મધ્યપ્રદેશ જઈ પરિવાર સાથે કરાવ્યો મેળાપ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

“સતત ૧૨ દિવસ મેં મારી માતાની શોધખોળ અમારા સગા-સંબંધી ઓળખીતા-પાળખીતાથી લઈને ઘણી જગ્યાએ કરી પણ મા મળી નહીં. અમે બધા તેના મળવાની આશા ખોઈ બેઠા હતા. આજે જ્યારે તમે મારી માને લઈને આવ્યા ત્યારે એમ લાગ્યું કે તમે ભગવાન બનીને માતાનો મેળાપ કરાવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના શંકરપુરા ગામના શોભારામ મેડાએ ગોધરા સખી વન સ્ટોપ કેન્દ્ર સંચાલક કલ્પનાબેન જાદવને આભારની લાગણી અને અશ્રુ ભીના ગળગળા સાદે આમ જણાવ્યું હતું.
ગોધરાના રહીશ રમેશભાઈએ સીપા ( તાજપુરા) ગામે નિસહાય અને માનસિક રીતે અસ્થિર જણાતી મહિલાને જોતાં તેમણે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનને ફોન કરી મહિલા વિશે માહિતી આપી હતી. અભયમની ટીમે તરત સ્થળ ઉપર પહોંચી જઈ ગોધરામાં લાવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરને તેનો કબજો સોંપ્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટરે મહિલાની માનસિક અને શારીરિક હાલત જોતા તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં સતત ૮ દિવસ સુધી કરાવી હતી. આ દરમિયાન તેમણે આ બહેનનું સતત કાઉન્સેલિંગ કરી તેમનું નામ અને સરનામું મેળવ્યું હતું, જેમાં ખબર પડી કે ગોરખીબેન નામ ધરાવતી આ મહિલાએ પતિ સાથે અણબનાવ થતા તેણે ઘર છોડી દીધું હતું.

ગોરખીબેન સ્વસ્થ થતા તેમને લઈને સખી કેન્દ્રના સંચાલક કલ્પનાબેન જાદવ, મલ્ટીપર્પઝ વર્કર હેતલબેન નાયક, એ.એસ.આઈ મીરાબેન અને હેડ કોન્સ્ટેબલ રંજનબેનની ટીમ મધ્યપ્રદેશમાં બડનગર ગઈ હતી. ત્યાંની સ્થાનિક પોલીસે સ્થાનિક બોલીમાં ગોરખીબેનની પૂછપરછ કરતાં તેણે અગાઉ જણાવેલ સરનામું ખોટું નીકળ્યું હતું. પછી તેમની પાસેથી સાચું સરનામું મેળવી ટીમ ધાર જિલ્લાના સરદારનગર તાલુકાના શંકરપુરા ગામે જઇને ગોરખીબેનનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
ગોરખીબેનને જોતા તેમનો પરિવાર લાગણીસભર બન્યો હતો. થોડીવાર પછી આપણી ગોધરાની ટીમે આ પરિવારનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પરિવારે ગોરખીબેનને સારી રીતે રાખવાની ખાતરી આપી ટીમનો આભાર માન્યો હતો

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )