રાહુલનું દર્દ છલકાયા બાદ કોંગ્રેસમાં રાજીનામાનો વરસાદ, 120 પદાધિકારીઓએ છોડ્યા પદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો તે પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવા જીદ પકડી લીધી છે. તેમણે તાજેતરમાં એવું દુ:ખ પણ જાહેર કર્યું કે તેમણે રાજીનામું આપ્યા પછી પણ કોઈ મુખ્યપ્રધાન, મહામંત્રી કે પ્રદેશ અધ્યક્ષે પરાજયની જવાબદારીનો સ્વીકાર કરીને રાજીનામા નથી આપ્યા. પરંતુ હવે કોંગ્રેસમાં રાજીનામાની ઝડી લાગી છે અને અંદાજે 120 જેટલા પદાધિકારીએ રાહુલ ગાંધીને પોતાના રાજીનામા સોંપ્યા છે. રાજીનામા પત્ર પર હસ્તાક્ષર કરી ચૂકેલાઓમાં એઆઈસીસી સચિવ, યુવા કોંગ્રેસના પદાધિકારી, મહિલા કોંગ્રેસના પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યા મુજબ પત્ર પર હજી વધુ નેતાના હસ્તાક્ષર થઈ શકે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી સાથે સામૂહિક રાજીનામા આપીશું.

રાહુલ ગાંધીને રાજીનામું આપતા રોકવા અને મનાવવા ગયેલા કાર્યકરોને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારા રાજીનામા પછી પણ પરાજયની જવાબદારીનો સ્વીકાર કરીને પદાધિકારીઓના રાજીનામા ના આવ્યા હોવાનું તેમને દુ:ખ છે. તેમના ઘર બહાર તેમને મનાવવા બેઠેલા યૂથ કોંગ્રેસના કાર્યકરો અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોને રાહુલે ઘરમાં બોલાવીને તેમને મનની વાત કરી હતી.

રાજીનામું માત્ર તમારું જ કેમ? : યૂથ કોંગ્રેસ કાર્યકર

રાહુલ ગાંધીને મનાવવા તેમના ઘર બહાર બેઠેલા યૂથ કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીને મળ્યા ત્યારે યૂથ કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે ,’સર, આ સામૂહિક પરાજય છે., બધાની જવાબદારી બને છે તો રાજીનામું માત્ર તમારું શા માટે?’ રાહુલ ગાંધીએ પણ માર્મિક જવાબ આપતાં જણાવ્યું હતું કે મને તે વાતનું દુ:ખ છે કે મારા રાજીનામા પછી પણ કોઈ મુખ્યપ્રધાન, મહામંત્રી કે પ્રદેશ અધ્યક્ષે પરાજયનો સ્વીકાર કરીને રાજીનામું નથી આપ્યું.

વિવેક તનખાનું રાજીનામું

કોંગ્રેસના નેતા અને વકીલ વિવેક તનખાએ અખિલ ભારત કોંગ્રેસ સમિતિ લીગલ માનવ અધિકાર અને આરટીઆઈ વિભાગના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળે તે પહેલાં હજી વધુ રાજીનામા પડી શકે છે. કોંગ્રેસમાં નેતૃત્વની કટોકટી તે સાથે સામે આવી રહી છે.

ચૂંટણી ઢંઢેરામાં અફસ્પા અને રાજદ્રોહના ઉલ્લેખને કારણે પરાજય થયો : આનંદ શર્મા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન આનંદ શર્માએ જણાવ્યું છે કે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કેટલાક મુદ્દાએ લોકસભા ચૂંટણીમાં પક્ષને નુકસાન પહોંચાડયું છે. તેમણે કહ્યું કે ચૂંટણી ઢંઢેરામાં રાજદ્રોહ કાયદાને દૂર કરવા તેમ જ આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ( અફસ્પા)માં સુધારા જેવા મુદ્દા સામેલ કરવાથી પક્ષને ચૂંટણીમાં નુકસાન થયું છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )