ગુજરાતમાં આગામી 7 જુલાઇએ 10 નગરપાલિકાઓમાં પેટા-ચૂંટણી યોજાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત રાજ્યની કુલ ૧૦ નગરપાલિકાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી ૧૫ વોર્ડ બેઠકો માટે આગામી ૭ જુલાઇને રવિવારે પેટા-ચૂંટણી યોજવામાં આવનાર છે. જેનું જાહેરનામું ૧૭ જૂને બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૨ જૂન છે. હાલમાં ઉમેદવારી ફોર્મ ભરાવાના પણ શરૂ થઇ ગયા છે. ૯ જુલાઇના રોજ મતગણતરી યોજાશે.

વોર્ડ સભ્યના અવસાન સહિતના વિવિધ કારણોસર રાજ્યની દસ નગરપાલિકામાં ખાલી પડી રહેલી વોર્ડ સભ્યોની બેઠકો પર પેટા-ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાનમાં હાલમાં તે દિશામાં કામગીરી આરંભી દેવામાં આવી છે.

અમદાવાદના વિરમગામ નગર પાલિકાની વોર્ડ નં.૪ ની એક બેઠક માટે પેટા-ચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત ગાંધીનગરમાં દહેગામ પાલિકામાં વોર્ડ નંબર ૭, બનાસકાંઠાના ધાનેરાની વોર્ડ નંબર ૨, પોરબંદર પાલિકાની વોર્ડ નંબર ૭, ખેડાના કણજરી પાલિકાની વોર્ડ નંબર ૩ તેમજ આણંદના બોરસદ પાલિકાની વોર્ડ નંબર ૧ ની પેટા-ચૂંટણી યોજાનાર છે.

આ ઉપરાંત અમરેલીની બગસરા નગર પાલિકામાં વોર્ડ નંબર ૭,૪,૨,૬,૩,૩ એમ કુલ ૬ બેઠકો માટે પેટા-ચૂંટણી યોજાનાર છે. પંચમહાલના ગોધરામાં વોર્ડ નંબર ૮, ગીરસોમનાથની તલાલાની વોર્ડ નંબર ૧ અને ઉના નગર પાલિકાની વોર્ડ નંબર ૩ ની બેઠક માટે પેટા-ચૂંટણી યોજાનાર છે.આગામી ૨૪ જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે. ૨૫ જૂને ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ૭ જુલાઇને રવિવારે સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન કરી શકાશે.નોંધપાત્ર છેકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દબદબો યથાવત રાખવા, સત્તા ટકાવી રાખવા તેમજ સત્તા પલટા માટે આ પેટા-ચૂંટણી રાજકીય પક્ષો માટે મહત્વની સાબિત થનાર છે. હાલમાં ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તેમજ અપક્ષોએ પેટા-ચૂંટણી માટે ઉમેદારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ આરંભી દીધી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )