સમગ્ર ગોધરા નગરપાલિકા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર,જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા જાહેરનામું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગોધરા નગરપાલિકા વિસ્તારમાંથી
મંજૂરી વગર બહાર નીકળવા પર પ્રતિબંધ

જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું-મોં-નાક ઢાંકવાનું ફરજિયાત

માહિતી બ્યુરો, ગોધરાઃ કોવિડ-19 સંક્રમણ સંદર્ભે ઉભી થયેલી કટોકટી માટે ભારત સરકાર દ્વારા આપેલી માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારે જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરી જિલ્લાઓના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આરોગ્ય કમિશ્નરશ્રી દ્વારા 31 જિલ્લાઓ અને 06 મહાનગરપાલિકા વિસ્તારોની યાદીના પત્રકમાં સમગ્ર ગોધરા નગરપાલિકાના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગોધરા નગરપાલિકામાં વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા માટે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત જણાઈ છે. જેથી પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ગોધરા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ-2 અન્વયે મળેલ અધિકારની રૂએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-30 તથા કલમ-34 હેઠળ ગોધરા નગરપાલિકાના સમગ્ર વિસ્તારને કોવિડ-19 કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ગોધરા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કુલ 31,119 મકાનોમાં રહેલ કુલ 1,05,596 લોકોનો સમાવેશ થાય છે. કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ ગોધરા નગરપાલિકાના હદ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવતા તમામ રહીશો ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ગોધરા અને તેમના દ્વારા અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી કન્ટેઈનમેન્ટ એરિયાની બહાર જઈ શકશે નહીં. જાહેર ફળિયા/સ્થળોમાં ફરજિયાતપણે માસ્ક પહેરવાનું અથવા વ્યવસ્થિત કપડાથી મોઢુ-નાક વગેરે ઢાંકવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 58ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સરકારી ફરજ-કામગીરી પરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજેન્સી, સરકારી-ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ પર છે તેમજ જેમને આવશ્યક સેવાઓ માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે, તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

બોક્સ
જિલ્લા કલેક્ટરશ્રીના જણાવ્યા અનુસાર ગોધરા નગરપાલિકા વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જો કે સસ્તા અનાજની દુકાન પરથી થઈ રહેલ અનાજનું વિતરણ, મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે. એપીએમસી, ગોધરાએ બસ સ્ટેન્ડ સામે આવેલ મુખ્ય યાર્ડ તા.07/05/2020થી 14.05.2020 સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કાંકણપુર અને ટીમ્બા ખાતે આવેલ સબયાર્ડ ચાલુ રહેશે. ગોધરાનું શાકભાજીનું હોલસેલ માર્કેટ નગરપાલિકા વિસ્તારની બહાર પરવડી ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સાવચેતીના ભાગરૂપે ગોધરાના શાકભાજી વિક્રેતાઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે, જે પૈકી 122 વિક્રેતાઓના સેમ્પલ નેગેટીવ આવ્યા છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )