ભરૂચ માં નોવેલ કોરોના વાયરસ(COVID-19) ના સંક્રમણને અટકાવવા જાહેર હિતમાં કેટલાંક નિયંત્રણો મુકાયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જાહેરનામાની મુદ્દતમાં વધારો કરાયો

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ ગુજરાત પોલીસ એક્ટ-૧૯૫૧ ની કલમ-૪૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ મુજબનું જાહેરનામું આ જાહેરનામું આજે તા.૦૩/૦૫/૨૦૨૦ થી તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ(COVID-19) ફેલાયેલ છે કે જેને WHO ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે જે બાબતે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી ધ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ(COVID-19) ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. નોવેલ કોરોના વાયરસની (કોવીડ-૧૯) ના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઇ સરકારશ્રી ધ્વારા તા.૧૫/૦૪/૨૦૨૦ના હુકમથી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા.૦૧/૦૫/૨૦૨૦ના હુકમથી તા. ૦૪/૦૫/૨૦૨૦ થી ર( બે ) અઠવાડીયા સુધી લોકડાઉન વધારવાની સાથે પ્રવર્તમાન જોખમ અનુસાર વર્ગીકરણ-રેડ (હોટ સ્પોટ) ગ્રીન તથા ઓરેન્જ ઝોન વિસ્તાર મુજબ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે જે અન્વયે તા.૦૩/૦૫/૨૦૨૦ ના જાહેરનામાથી ગુજરાત સરકારશ્રી દ્વારા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના હુકમની ચુસ્તપણે અમલવારી કરવા જણાવેલ છે. નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં જાહેરહિતમાં નીચે મુજબ હુકમ કરવામાં આવેલ છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ ગુજરાત પોલીસ એક્ટ-૧૯૫૧ ની કલમ-૪૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા એપેડેમિક એક્ટ-૧૮૯૭ અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટીફીકેશન નં.જી.પી/૯/એનસીવી /૧૦૨૦૨૦/એસએફ-૧/જી, તા.૧૩/૦૩/૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂ એ ફરમાવું છે કે,
(૧) સમગ્ર ભરૂચ જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારનાં સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં જે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં તેમજ કોઈ પણ જગ્યાએ કોઈ પણ હેતુ પ્રસંગ માટે ૫(પાંચ) વ્યક્તિ કે તેનાથી વધુ વ્યક્તિએ સક્ષમ સત્તાધિકારીની પરવાનગી વગર એકત્રિત થવું નહીં.
(૨) આવશ્યક સેવામાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે સાંજના ૦૭:૦૦ વાગ્યાથી સવારના ૦૭:૦૦ વાગ્યા સુધી અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
(૩) ભરૂચ જિલ્લામાં બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલ હોય તમામ પ્રકારના ઔદ્યોગિક એકમો કે જે સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજુરીથી શરૂ કરવામાં આવેલ છે તેમાં કામ કરતાં કર્મચારીઓ/માલિકો ભરૂચ જિલ્લાની બહાર જઈ શકશે નહીં. જે તે ઔદ્યોગિક એકમોમાં જ અથવા તો ભરૂચ જિલ્લામાં જ નિવાસ કરવાનો રહેશે.
(૪) ભરૂચ જિલ્લાના તમામ ગામોમાં પ્રવેશ માટે તેમજ ગામમાંથી બહાર નીકળવા માટે એક જ રસ્તા સિવાય અન્ય કોઈ પણ પ્રવેશ/રસ્તા ખુલ્લા રાખવાના રહેશે નહી. અન્ય તમામ પ્રવેશ માટેના / બહાર નીકળવાના રસ્તા બેરીકેટીંગથી/સ્થાનિક વ્યવસ્થાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ બંધ કરવાના રહેશે તેમજ તેના સઘન પ્રેટ્રોલીંગની જરૂરી અને યોગ્ય વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ધ્વારા કરવાની રહેશે.
(૫) આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન ખેતી, બાગાયત તેમજ આરોગ્ય સાથે સંકળાયેલ પરિવહન માટે ગામના અન્ય પ્રવેશ દ્વાર / રસ્તા વિગેરે અવરોધ પેદા કરે તે રીતે બંધ કરવાના રહેશે નહી.
(૬) દરેક નાગરિક/ઈસમે આકસ્મિક સંજોગો/ઈમરજન્સી સેવાઓ સિવાય ઘરની બહાર નીકળી શકશે નહી તેમજ ઘરની બહાર જાહેર રસ્તા પર તથા મોર્નીંગ વોક તથા ઈવનીંગ વોક કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શકશે નહી. કોઈ પણ વ્યક્તિ સક્ષમ અધિકારીશ્રીની લેખિતપૂર્વ મંજુરી સિવાય વાહન લઈને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહિ અને જિલ્લાની હદ પસાર કરવી નહી તેમજ બહારથી ભરૂચ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહી.
(૭) સોસાયટી, ફ્લેટના રહીશોએ તેમના કોમનલોટ પાર્કીંગવાળી જગ્યાએ બીનજરૂરી એકઠા થવાનું રહેશે નહી.
(૮) જાહેર રસ્તા પર કોઈ પણ વ્યક્તિ થુંકીને ગંદકી ફેલાવશે તો નિયમોનુસાર દંડ વસુલ કરવામાં આવશે.
(૯) કોઈ પણ વ્યક્તિ / સંસ્થાએ નોવોલ કોરોના વાયરસ (COVID-19) ની બિમારી બાબતે પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયા મારફત ખોટી માહિતી કે અફવા ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(૧૦) કોઈપણ વ્યક્તિને નોવેલ કોરોના વાયરસ(COVID-19) ની બિમારી થયાનું જણાય તો તેવા દર્દીના કુટુંબીજનો અથવા તેમની દેખરેખ રાખતા વ્યક્તિએ દર્દીની સંપૂર્ણ વિગતો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ કે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને તાત્કાલિક જાણ કરવાની રહેશે અથવા હેલ્પલાઈન નં.૧૦૪ અથવા જિલ્લા આરોગ્ય કંટ્રોલ રૂમ નં.૦૨૬૪૨(૨૫૨૪૭૨) પર સંપર્ક કરવો.
(૧૧) કોઈ પણ વ્યક્તિ કે જે નોવોલ કોરોના વાયરસ(COVID-19)ની બિમારીનો પોઝીટીવ કેસ નોંધાયેલ હોય તેવા વિસ્તાર / દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરી આવેલ હોય તેને નજીકની સરકારી હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક જાણ કરવાની રહેશે.
આ જાહેરનામુ સમગ્ર ભરૂચ જિલ્લા મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમ સરકારી ફરજ- કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/પ્રાયવેટ દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહિ.
આ જાહેરનામું આજે તા.૦૩/૦૫/૨૦૨૦ થી તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-૧૩૯ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતાં તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચે એક જાહેરનામા ધ્વારા જણાવેલ છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )