હળવદમાં યુવતીનું શંકાસ્પદ મોત : કોરોના હોવાની સંભાવનાને પગલે સેમ્પલ લેવાયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તબીબે મોરબી ખસેડવાની તજવીજ હાથ ધરી પણ તે પૂર્વે જ યુવતીનું મોત નીપજ્યું

હળવદ : હળવદમાં યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં આ યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જેથી ફરજ પરના તબીને તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ તે પૂર્વે જ આ યુવતીએ દમ તોડી દેતા તેના મૃતદેહને રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને સેમ્પલ લઈને જામનગર મોકલવામાં આવ્યા છે.

હળવદના નવા રાયસરપર ગામે રહેતી 19 વર્ષની પરપ્રાંતીય યુવતીને છેલ્લા એક અઠવાડિયાથી શરદી, ઉધરસ અને તાવ રહેતો હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબને આ યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તુરંત જ વધુ ચેક અપ તેમજ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી દીધી હતી. જો કે તે પૂર્વે જ આ યુવતીનું મોત નીપજ્યું હતું.

આ અંગે ડો.કૌશલ પટેલે જણાવ્યું કે મૃતક યુવતી અને તેનો પરિવાર હોળી પહેલા છોટા ઉદેપુરથી અહીં મજૂરી અર્થે આવ્યા હતા.તેઓને છેલ્લા એક અઠવાડિયાથી તાવ, શરદી અને ઉધરસ હતી. તેમજ છેલ્લા બે દિવસથી તેઓને શ્વાસની તકલીફ અને ગળફામાં લોહી આવતું હતું. જેથી તેઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પરંતુ તે પૂર્વે જ તેઓનું મોત નીપજ્યું હતું. માટે તેઓના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક લેબમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેઓનું સેમ્પલ લઈને જામનગર લેબમાં પણ મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે આ કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર હળવદ પંથકમાં આ યુવતીનું કોરોનાના કારણે મોત થયું હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ છે. જો કે હકકિતમાં યુવતીના મોતનું કારણ હજુ બહાર આવ્યું નથી. યુવતીને કોરોના હતો કે નહીં તે રિપોર્ટ બાદ જ માલુમ પડશે.

મયુર રાવલ હળવદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )