ગામનો કોઇપણ જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારક અનાજ વગર ન રહી જાય તે જોવાની મારી પ્રાથમિક ફરજ – સોનલબેન વાધેલા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સરોજબેન ગામના ૪૧૦ રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજનો જથ્થો પહોંચાડીને સુચારૂ સંચાલન કરી રહ્યા છે

રાજ્યમાં ગ્રામ પંચાયત હસ્તક મહિલાઓ દ્વારા વાજબી ભાવની દુકાનના સંચાલનમાં આણંદ જિલ્લાએ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

સામાન્ય રીતે એક સ્ત્રી ઘરે રસોઇ બનાવીને પરિવારનું પેટ ભરતી જોવા મળતી હોય છે પરંતુ બોરસદ તાલુકાના નામણ ગામની એક મહિલા ૪૧૦ પરિવારોનું પેટ ભરી રહી હોવાનું સાંભળ્યુ છે ખરુ ?

હા, વાત સાચી છે નામણ ગામના સોનલબેનને જ્યારે ફેબ્રુઆરી-૨૦૨૦માં સરકાર દ્વારા ગામમાં વાજબી ભાવની દુકાનનું સંચાલન કરવા માટેનો પરવાનો આપવામાં આવ્યો ત્યારે ગામના ૪૧૦ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો સમયસર પૂરો પાડીને તેમણે આ ૪૧૦ વ્યક્તિઓના પરિવારનું પેટ ભર્યુ હોય તેમ કહેવામાં કંઇપણ અતિશયોક્તિ નથી.

એકવીસમી સદીમાં મહિલાઓ હવે પુરુષ સમોવડી બનીને દરેક ક્ષેત્રે ઝંપલાવી રહી છે અને કદમ થી કદમ મિલાવીને પુરૂષ પ્રધાન રોજગાર, વ્યવસાય, રમત-ગમત હોય કે પછી અન્ય કોઇ ક્ષેત્ર હોય મહિલા આજે દરેક ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહી છે.

નામણ ગામના સોનલબેન વાધેલા (ઉ.વ. ૩૩) કે જેઓએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ પોતાના પરિવારનું સરસ રીતે સંચાલન કરી રહ્યા હતા તેઓને એક દિવસ થયુ કે અમારા ગામના જરૂરિયાતમંદ પરિવારોના ઘરે પણ પુરતું અનાજ પહોંચે તો કોઇપણ ગ્રામજન ભુખ્યુ ન રહે. બસ આ વિચાર આવ્યા બાદ તેઓએ ગત વર્ષે સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો(NFSA) અંતર્ગત સંચાલિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય વાજબી ભાવની દુકાનનો પરવાનો મેળવવા માટે ઓનલાઇન અરજી કરી.

આણંદ જિલ્લામાં આવેલી જિલ્લા પુરવઠા કચેરીમાંથી આ વાજબી ભાવની દુકાનનો પરવાનો તેમજ તેના સંચાલન વિશેની પુરતી માહિતી મેળવી લીધી. અહીં ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગ્રામપંચાયતમાં અને તેમાં પણ મહિલાને વાજબી ભાવના પરવાના આપવા માટે અગ્રતાક્રમ આપવામાં આવે છે જેથી સરોજબેનમાં એક આશાનું કિરણ જાગ્યું પરંતુ તેમના સિવાય પણ ગામમાંથી અન્ય મહિલાઓએ પણ પરવાનો મેળવવા માટે અરજી કરી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પેસ કરી સ્પર્ધા ઉભી કરી હતી.

અહીં સોનલબેનને ગ્રેજયુએશન સુધી મેળવેલું શિક્ષણ કામે લાગ્યુ અને શિક્ષિત હોવાના કારણે અગ્રતાક્રમમાં તેઓને નામણ ગામમાં વાજબી ભાવની દુકાન ચલાવી જરૂરિયાતમંદોને સમયસર અનાજનો જથ્થો મળી રહે તે માટેનો તાજેતરમાં જ પરવાનો આપવામાં આવ્યો.

હાલ તેઓ નામણ ગામમાં વાજબી ભાવની પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાનનું સંચાલન કરી રહ્યા છે. અને ગામના ૪૧૦ રેશન કાર્ડ ધારકોને નિયમિત પણે સમયસર રાશન પુરૂ પાડવાનું ભગીરથ કાર્ય પાર પાડી રહ્યા છે. તેઓના પરિવારમાં બે દિકરી છે તેમજ પતિશ્રી મિથુનભાઇ દરજીકામ કરે છે. દિકરીઓ સ્કુલે મોકલવાની જવાબદારી નિભાવવાની સાથે સાથે સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી રેશન કાર્ડની દુકાનનું સુચારૂ સંચાલન કરીને મળવાપાત્ર રાશન કાર્ડ ધારકને પુરતો અનાજનો જથ્થો મળી રહે તે રીતે સંચાલન કરી રહ્યા છે.

તેઓએ વધુમા કહ્યુ કે મારા પતિશ્રી દરજી કામ કરીને મહિને ૮ થી ૧૦ હજારની રોજગારી મેળવતા હતા જેમાં અમારી બે દિકરીઓને સારૂ શિક્ષણ અપાવવા તેમજ શિક્ષણને લગતા અન્ય ખર્ચ જેવા કે પુસ્તકો, ગણવેશ વગેરેમાં ખુબ જ તકલીફ પડતી. પરંતુ સરકાર દ્વારા મને ગામમાં વાજબી ભાવની દુકાનનું સંચાલન કરવા માટે પરવાનો આપ્યા બાદ અમારા પરિવારની આવકમાં પણ વધારો થયો છે અને હવે હું મારી દિકરીઓને સારી રીતે ભણાવી રહી છું અને આગામી સમયમાં બંને દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવીને તેમનું શ્રેષ્ઠ ઘડતર કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.

નામણ ગામના જ એક રેશન કાર્ડ ધારક શાંતિલાલભાઇને જ્યારે હાલ કાર્યરત પંડિત દિનદયાળ વાજબી ભાવની દુકાનના સંચાલન વિશે પુછતા તેઓએ કહ્યુ કે પહેલા અમારા ગામમાં હંગામી ઘોરણે દુકાન કાર્યરત હતી જેની અનિયમિતતાના કારણે ગ્રામજનોને પુરતો અનાજનો જથ્થો સમયસર મળતો ન હતો પરંતુ હવે સરોજબેન દ્વારા આ દુકાનનું સુચારૂ સંચાલન થવાના કારણે દરેક જરૂરિયાતમંદ સુધી રાશનનો જથ્થો જેવો કે ઘઉ, ચોખા, ખાંડ, મીઠું, દાળ અને તેલ સમયસર પુરતા પ્રમાણમાં મળી રહે છે જેના કારણે ગ્રામજનોમાં હર્ષની લાગણી વહી જવા પામી છે.

છેલ્લે સોનલબેને સરકાર પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે સરકાર દ્વારા મને વાજબી ભાવની દુકાનનું સંચાલન કરીને ગ્રામજનોને મદદરૂપ થવાની જે તક આપવામાં આવી તે માટે હું સરકારની આભારી છું. મારી જેમ જ અન્ય ગામમાં પણ બહેનોને આવી તક મળે તો મહિલાઓ ખરા અર્થમાં સશક્ત થઇને પગભર બનવાની સાથે સમાજઉપયોગી તો
બની રહેશે જ પણ પોતાનું અને પોતાના પરિવારનું જીવનધોરણ ઉંચુ લાવી શકશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )